ફણગાવેલાં કઠોળ તબિયત ફૂલફટાક રાખે છે
સાવ મફતમાં વિટામિનો અને જીવનરક્ષક તત્ત્વો એટલે ફણગાવેલાં મગ-મઠ

તાજું સંશોધન કહે છે કે તમે તમારા આહારનો સ્વાદ માતાનાં પેટમાં હો ત્યારથી જ જન્મ પહેલાં કેળવો છો. સાદા શબ્દોમાં માતા ગર્ભવતી હોય અને ગાજરનો રસ પીતી હોય કે વધુ સલાડ-કચુંબર ખાતી હોય તો એ બાળકને પણ કુદરતી આહારની ટેવ પડે છે. તમને તીખું તમતમતું અને રેંકડીનું કે રૂપાળી વેસ્ટર્ન રેસ્ટોરાંનો જંકફૂડ ખાવાની ઘાતક ટેવ હોય તો બાળક પણ જંકફૂડિયું થાય છે.

જો ગર્ભવતી માતા ફણગાવેલા કઠોળ ખાય તો તો બાળક માટે ભયો ભયો. ફણગાવેલા કઠોળ તદ્દન મફતમાં એબીસી વિટામિનો આપે છે. ચાવી ચાવીને ખાવાની ટેવ પાડે છે. આ વાત અમેરિકાના વિખ્યાત ઇન્વેસ્ટિગેટિવ-ફૂડ-જર્નલિસ્ટ એરિક શ્લોસરે તેના પુસ્તક‘ચ્યુ ઓન ધિસ’નામના પુસ્તકમાં લખી છે, પણ આ લેખ પૂરતું આપણે તેણે ફણગાવેલા કઠોળનાં વખાણ લખ્યા છે તેને જ વળગીએ.

બ્રિટનની અને અમેરિકાની હોસ્પિટલોમાં તેમજ મશહૂર નિસર્ગોપચારનું કેન્દ્ર મેયો ક્લિનિકમાં અવારનવાર આપણા ખોરાકના પ્રયોગો થાય છે તેમાં ફણગાવેલા મગ, મઠ અને ચણા દર્દીના આહારમાં અપાય છે. ૩૫ વર્ષ પહેલાં ફણગાવેલા કઠોળનું ઉપનિષદ હોય તેવું પુસ્તક ડો. માર્થા એચ. ઓલિવરે લખેલું તેનું નામ છે -એડ એ ફયુ સ્પ્રાઉટસ. તમારા આહારમાં થોડા ફણગાવેલા કઠોળ, મગ, મઠ, ફણગાવેલો બાજરો કે ફણગાવેલા ઘઉ ઉમેરતા રહો.

અમેરિકનોને ફણગાવેલા કઠોળનો લાભ હજી સમજાયો નથી. જર્મનો અને બ્રિટિશરો ફણગાવેલા કઠોળથી જ સવારનો નાસ્તો આજકાલ કરે છે. ડો. માર્થા ઓલિવરે લખ્યું છે કે જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. સૌથી મોટો ફાયદો એ છે કે કાચા ફણગાવેલા મગને તમારે ચાવી ચાવીને ખાવા પડે છે.

વોશિંગ્ટનમાં‘લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ’છે ત્યાં જઈને ભૂતપૂર્વ અને ચાલુ પ્રમુખોની બૈરીઓ માર્થા ઓલિવરનું પુસ્તક પકડે છે. મલેશિયા-સિંગાપોર પિનાંગ, શાંઘાઈ અને હવે તો મુંબઈની શાક માર્કેટમાં મહારાષ્ટ્રીયન બહેનો વાંસની છાબમાં ફણગાવેલા કઠોળ વેચે છે. મે મહિનાનો ધોમ ધખે છે ત્યારે વાતાવરણમાં ઊલટાનો ભેજ છે એટલે રાત્રે પલાળેલા મગમાંથી સવારે બધું પાણી કાઢી લો. એક સફેદ કપડામાં પોટલી બાંધો તો સાંજે ખૂબ ફણગા ફૂટી જશે.

ખાસ તો નીચલા મઘ્યમવર્ગની બહેનોને આજકાલ શાક મોંઘું લાગે તેમજ શ્રાવણ-ભાદરવામાં તો લીલોતરી શાક ખૂબ મોંઘું થાય ત્યારે લીલા શાકભાજીની ડબલ ગરજ સારે તેવા ફણગાવેલા કઠોળને સ્વાદિષ્ટ બનાવવા હળવો વઘાર કરીને તેમાં સ્વાદ પ્રમાણે મસાલો નાખીને શાકની જગ્યાએ વાપરી શકો છો. મહુવામાં મોટા ભાગના કપોળ મિત્રોની માતાઓ અમને બપોરે ભૂખ લાગે ત્યારે ફણગાવેલા મગનો નાસ્તો આપતી.

મહાન ફિલસૂફ ઈશાક સિંગર માંસાહારી હતા. તેણે જીવનનાં છેલ્લાં ૩૫ વર્ષ શાકાહાર અપનાવ્યો ત્યારે તેને કોઈ નેચરોપેથે કહ્યું કે માંસમાંથી જ પ્રોટીન મળે છે તે વાત ભૂલી જાઓ માંસમાં ફાયબર-રેષા-છીલકાં હોતાં નથી ત્યારે ફણગાવેલા કઠોળ તમને કોલસ્ટેરોલ વગરનું પ્રોટીન આપે છે અને માંસની ગરજ સારે છે. ચીનના પુરાણા આરોગ્યશાસ્ત્રીઓએ ૫૦૦૦ વર્ષ પહેલાં કઠોળને ફણગાવવાની રીત શોધી કાઢી. ચીનાઓ દરિયાઈ સફર ખેડે ત્યારે એક કોથળો ભરીને મગ લઈ જાય. લીલાં શાકભાજી ન મળે એટલે વિટામિન બી અને સીની ખોટ પૂરવા ફણગાવેલા કઠોળ ખાતા.

૧૭૭૨થી ૧૭૭૫ના ગાળામાં કેપ્ટન જેમ્સ કૂક અને તેના ખલાસીઓ તેમની સાથે લીંબુ લેતા, તેના શરબત પીતા અને લીંબુ ખલાસ થાય એટલે કઠોળને ફણગાવીને ખાતા. આને કારણે કેટલાય ખલાસી રોગોથી બચી જતા. અમેરિકાની કોર્નલ યુનિ.ના ન્યુટ્રિશનના પ્રોફેસર ડો. કલાઈવ એમ. મેક્કે જાહેર કર્યું કે ‘તમને બારે માસ લીલા શાકભાજી જોઈએ છે જે માંસના પોષક ગુણો સામે સ્પર્ધા કરે? તો તમે ફણગાવેલા કઠોળ ખાઓ. ટમેટામાંથી મળતા વિટામિન સીની ગરજ આ ફણગાવેલા કઠોળ સારશે. જોકે પ્રોફેસર કલાઈવ તો ફણગાવેલા સોયાબીન દર્દીને વધુ આપતા.

તેમનો મત છે કે ફણગાવેલા સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ મળે છે. કઠોળનું વિટામિન એ ૬૦૦ ટકા વધી જાય છે. કઠોળમાં જે સ્ટાર્ચ હોય છે તેનું અદ્ભુત પરિવર્તન થઈ તે કુદરતી શર્કરાનું રૂપ ધારણ કરે છે. તેથી જ ફણગાવેલા કઠોળ કુદરતી રીતે ગળચટ્ટા લાગે છે અને ચાવીને ખાઓ તો જલદી પચે છે. આપણા ક્રિકેટરો પરદેશ જાય અને વેસ્ટ ઇન્ડીઝ ગયેલા ત્યાં ફણગાવેલા કઠોળ ભરપૂર મળે છે.

તેમને ફણગાવેલા કઠોળ ડબલ એનર્જી આપે છે. ત્યાં મગ વધુ સારા મળે છે. ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. ગૌતમ ગંભીરને ડાયેરિયા (ઝાડા)થયેલ ત્યારે તેને ફણગાવેલા મગનો સૂપ, જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.

બ્રિટનમાં તો જવ અને રજકાના બી પણ ફગાવીને ખાય છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો તેમના ભાતામાં ઘણાં કાચાં ખાઈ શકાય તેવાં બીજ લે છે. ત્યાં ફણગાવેલા જવ, ફણગાવેલી બદામ અને ફણગાવેલી મગફળી ખવાય છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે, આપણે તો માત્ર અડધાથી ઓછા ઇંચના ફણગાથી તુષ્ટ થઈએ છીએ, પણ મેં ચીનાના રસોડામાં ફણગાવેલા મગના બબ્બે ઇંચ લાંબા ફણગા જોયા છે.

ચીની તબીબ નુગ પેનત્સાઓ કિંગ તો કહેતા કે સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા.બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સોલ્જરો તેમજ આપણા સૈનિકોને ખાસ ફણગાવેલા કઠોળ અપાતા. પંજાબમાં ૧૯૩૮માં ઘઉનો પાક નિષ્ફળ ગયો ત્યારે તેની ગરજ સારવા બાજરાને ફણગાવીને પંજાબીઓ ખાતા. વધુ વખાણ લખવાની જરૂર નથી. તમે ઘણી વખત રીબો ફલેવીનનું સીરપ પીઓ છો, પણ પાચન સુધારવા તેની જરૂર નથી. ફણગાવેલા કઠોળમાં અઢળક રીબો ફલેવીન (પાચક સત્ત્વ) હોય છે. ચાલો આજે રાત્રે છાલિયું ભરીને મગ પલાળી બીજે દિવસે ફણગાવવાનું શરૂ કરી દો.

** ** **

Source: Internet